Sati shri malbai Prev Next Index

-:।। સતી શ્રી માલબાઇ ।।:-      પરમ પૂજ્ય નાથગિરિબાપુના પુનીત સમયમાં માલબાઇ સતી વાલમગામમાં જન્મ લઈ ચૂક્યા હતા, વાલમ ગામના ભાટચ્યા(ભાટકા) શાખના એક ભક્ત રબારીનાં દિકરી માલબાઇ મહાન ભક્ત હતાં. તેમની ભક્તિ પરાયણતા જોઇ તેમના પરિવારે સાધ્વી બની જવાની બીકે તેમનાં લગ્ન્ન પણ કરાવી નાખ્યાં હતાં. છતાં સંત બીજ પલટે નહિ જુગ જાય અનંત, ઉંચનીય ઘર અવતરે તોય સંતના સંત, એ પ્રમાણે ભક્તિમાં લીન એવા પૂજ્ય માલભાઇના જીવનમાં એક અદ્દભૂત પ્રસંગ બન્યો. ઘરકામમાં શરીરને પ્રવૃત રાખી આત્માને પ્રભુભક્તિમાં લીન બનાવતા પૂજ્ય માલબાઇએ એકવાર ચૂલા ઉપર ઘેંસ (ખીચડો) રાંધવા ચડાવી, ચૂલા નીચે અગ્નિ(દેવતા) ખુબ ચાલુ હતો, ઘેંસ દાઝવા લાગી તેને હલાવવાની જરૂર પડી, પૂજ્ય માલબાઇ હરિ-ચિંતનમાં મગ્ન હતાં, શરીર ભૌતિક કર્મ યંત્રવત કરતું હતું. તેઓશ્રીએ સીધો હાથ ઘેંસમાં નાખ્યો અને ઘેંસ હલાવવા લાગ્યા, કુટુંબના સભ્યો આ ઘટના વિસ્મયતાથી જોઇ રહ્યા, તેમને થયુ કે માલબાઇનો હાથ બળી જશે. પરંતુ માલબાઇએ તો ઘેંસ ચૂલા ઉપરથી ઉતારી હાથ ધોઇ નાખ્યો, આ બાબતની આખા ગામમાં ચર્ચા થઈ અનેક લોકોએ આરીતે ચૂલા ઉપર ચડતી ઘેંસ હલાવતા માલબાઇને જોયા, હવે લોકો તેમનાં દર્શન કરવા આવવા લાગ્યા, કોઇ ભક્તે કહ્યું કે માલબાઇ તમે તો સતી છો, તેથી કોઇ મરશે તો તેને જીવતા પણ કરી શકશો, આ વાત સંભળી માલબાઇએ શ્રી વાળીનાથ ધામમાં જઈ ભક્તિ કરવાનો નિર્ણય કર્યૉ અને કુટુંબના માણસોની રજા લીધી, અને તેમને પોતાની-પાછળ આવવા જણાવી ચાલવા લાગ્યા, વાલમગામનું પુરાતન વિશાળ જળથી ભરેલા તળાવે આવ્યાં અને જળ ઉપર ચાલવા લાગ્યાં, કુટુંબના માણસો ગભરાયા અને ડૂબી જવાની બીકથી ઉભા રહ્યા, માલબાઇ પાણી ઉપર થઈને સામે કિનારે પહોંચી ગયા અને શ્રી વાળીનાથના રસ્તે ચાલવા લાગ્યા, વ્ચ્ચે જતાં સધીમાતા (સિધ્ધેશ્ર્વરી માતા) ના સ્થાનકે વિસામે કર્યો, આ સ્થળ આજે પણ માલબાઇના વિસામા તરીકે જનતાની શ્રધ્ધાનું કેન્દ્ર બન્યું છે. લોકો આજે પણ માનતાઓ કરે છે. માલબાઇ દરેકના મનોરથો પૂર્ણ કરે છે. આ વિસામાથી નીકળી માલબાઇ સતી વાળીનાથ ધામે પધારે છે. શ્રી વાળીનાથમાં, ધૂણીનાં અને પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની સમાધીનાં દર્શન કરી, મહંતશ્રીને નમસ્કાર કરે છે. પછી પરમ પૂજ્ય ગુરૂદેવશ્રીની સમાધી સામે પૂર્વાભિમુખે આસન લગાવે છે તે દરમ્યાન વાલમથી તેમનો પરિવાર પણ વાળીનાથ ધામે આવી પહોંચે છે. તેમના મોસાળ બૂટાપાલડીથી પણ બધા આવી પહોંચે છે. અને આવા દિવ્ય સમયે સતી માલબાઇ જીવતા સમાધિસ્થ બને છે. સૌ જય જયકાર બોલાવે છે. તેમના મોસાળના ભક્તો પૂજ્ય માલબાઈની ચરણરજ લઈ જઈને બુટા પાલડી મૂકામે ફૂલ સમાધિ આપે છે. આજે પણ સ્માધીની શ્રધ્ધા પૂર્વક-પૂજા થાય છે. પરમ પૂજ્ય મહંતશ્રી જગમાલગિરિજીના સાનિદ્યમાં એક પુરી નામના તપસ્વી સંત પધારે છે. શ્રી વાળીનાથ ધામ ખાતે સમાધિ સ્થાને જીવતા સમાધિ લે છે. તેમનાં પણ પગલાં પૂજાય છે.