મંદિર વિશે માહિતી

હિંદુ ધર્મના મહાન સંરક્ષક આદિ ગુરૂ શંકરાચાર્ય મહારાજે સમસ્ત ભારત વર્ષમાં ભગવો ઝંડો લહેરાવી સનાતન ધર્મનો ડંકો વગાડયો હતો ! સનાતન ધર્મના દિગ્વિજયથી એમની શક્તિનાં દર્શન વિશ્વના ફલક ઉપર થયા. તેમણે ભારતમાં ચારે દિશામાં ચાર મઠો સ્થાપિત કરી, ચાર શિષ્યોને મઠાધિપતિ બનાવ્યા ને મોમાં ગોવર્ધનમઠ, ડુંગરીમઠ, શારદામઠ અને જયોર્તિમઠની સ્થાપના કરવામાં આવી, આ મઠોની પરંપરામાંથી ભારતમાં દશનામી સંન્યાસીઓના સાત અખાડા થયા. જૂના અખાડા, નિરંજની અખાડા, નિર્વાણી અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા, અટલ અખાડા અને આનંદ અખાડા. આવા અખાડાઓમાં નિવાસ કરી સાધુ – સંતો – મહાત્માઓ ધર્મના પ્રચારનું ધર્મના સંરક્ષણનું કાર્ય અવિરતપણે કરતા રહે છે. એ રીતે શ્રી વાળીનાથજી અખાડો, મુ. તરભ સનાતન – ધર્મના આદર્શ પ્રતિક સમો છે. 

શ્રી વાળીનાથજી અખાડાનો ઈતિહાસ અતિ પ્રાચીન છે. પ્રવર્તમાન શ્રી વાળીનાથજીના અખાડામાં આવેલ શિવાલયની તપોભૂમિ પર બે હજાર વર્ષ પહેલાં આ આનર્ત પ્રદેશમાં આહીર લોકો દેવાધિદેવ શ્રી વાળીનાથજી મહાદેવની આરાધના કરતા હતા. એક દંતકથા એવી છે કે વાલ્મિકિ મુનિએ અહીં ઘણાં વર્ષો સુધી તપ કરી ભોલેનાથ શંકરની ઉપાસના કરી દિર્ઘકાળ ભજન કરેલું વાલ્મિકિ મુનિશ્રી વાળીનાથજીથી આબુના પર્વતોમાં જઈ સમાધિષ્ટ થયેલા. કોઈ કાળક્રમે ભયંકર દુષ્કાળની ઝપટમાં આ પ્રદેશ આવી ગયો. પ્રાચીન નગર અને શિવાલય ધરતીના પેટાળમાં ધરબાઈ ગયા.

આજથી લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે શ્રી વાળીનાથજીની હાલની જગ્યાવાળી તપોભૂમિ ઉપર પૂજય વિરમગિરિજી બાપુનું આગમન થયું હતું. શ્રી વિરમગિરિજી બાપુએ પહેલા થોડોક સમય કંથારિયા ગામમાં રોકાણ કરેલું. કંથારિયા કાઠિયાવાડના મૂળી પંથકમાં ધંધુકા પાસે આવેલું છે. શ્રી વિરમગિરિજી બાપુ ફરતાં ફરતાં સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં આવ્યા હતા. શરૂઆતમાં શ્રી વિરમગિરિ બાપુએ પહેલાં વિસનગર, વાલમ તેમજ ઉંઝામાં કેટલોક સમય રહી જ્ઞાન અને ભક્તિની ગંગા વહેવડાવી હતી. ભક્તોમાં પરસ્પર પ્રેમ-ભક્તિ અને ધાર્મિક શ્રદ્ધા ભાવના જાગૃત કરી હતી. પૂજ્ય વિરમગિરિજી બાપુનુ દૂધ (શરીર) રબારી જ્ઞાતિનું હતું. સમાજ ધાર્મિક શ્રદ્ધા અને જ્ઞાન ભક્તિ તરફ વળે તે માટે તેમણે આજુબાજુના પંથકમાં વિચરણ કરીને જાગૃતિની જ્ઞાનજ્યોત જગાવીને ભક્તિનું વાતાવરણ ઉભું કર્યું હતું. પૂજ્ય વિરમગિરિજી બાપુએ ઉંઝામાં કડવા પાટીદારોને પણ ધર્મની જાગૃતિ સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા હતા. ઉંઝાના પાટીદારો અને રબારીઓ તે સમયે પૂજ્ય વિરમગિરિ બાપુને ‘‘ગુરૂદેવ’” કહી બોલાવતા હતા. જે જગ્યાએ બાપુએ ઉંઝામાં પાટીદારો વચ્ચે ‘‘મઢી’’ નજીક બેસણાં કરેલાં ત્યાં આજે તેમની યાદગીરીરૂપે ‘‘ગુરૂદેવનો ધૂણો” (ઉમિયા માતાની પાછળ) શોભી રહ્યો છે. આજે પણ ઉંઝામાં કેટલાક પટેલો પૂ. ગુરૂદેવનું સ્મરણ કરીને ખેતરવાડી, દુકાન કે પેઢીએ જવા નીકળે છે અને ધંધામાં ઘણી સારી બરકત પ્રાપ્ત કરે છે.

જેમના નામ ઉપરથી શ્રી વાળીનાથજીની જગ્યા પાસેના ગામનું નામ ‘તરભ’ પડ્યું છે તે ભક્તરાજ શ્રી તરભોવનભાઈ (મોયડાવ શાખ) રબારીના અતિ આગ્રહને કારણે પૂજ્ય વિરમગિરિજી બાપુએ શ્રી વાળીનાથની પવિત્ર ધરતી ઉપર પધરામણી કરી. ભક્તરાજ તરભોવનભાઈ પરમ ભક્ત અને શ્રદ્ધાળુ હતા. તેઓ શ્રી ચામુંડાદેવીના ઉપાસક હતા. નવરાત્રિમાં ઉપવાસ કરી પૂજનમાં બેસતા હતા. પૂજ્ય વિરમગિરિજી મહારાજને સ્વપ્નમાં શ્રી વાળીનાથ ભગવાનની મૂર્તિનાં અને ધૂણીનાં દર્શન થયાં હતા. શ્રી વિરમગિરિ બાપુએ જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથની મૂર્તિ બહાર કાઢી ધામધૂમથી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને ત્યાં આવેલા રાયણના વૃક્ષ નીચે ચીપીયા વડે ધરતી ખોદીને ‘અખંડ અગ્નિદેવ સમી ધૂણી’ નાં દર્શન કર્યા. આજે પણ શ્રી વાળીનાથજીની જગ્યામાં અખંડ અને ચેતન ધૂણીનાં દર્શન કરવાં એ એક અનન્ય લ્હાવો ગણાય છે. તરભ તેમજ આજુબાજુના ગામોમાં રહેતાં રબારીઓ પૂજ્ય વિરમગિરિજી બાપુની સેવામાં ખડે પગે રહેતા હતા. શ્રી વાળીનાથની જે મૂર્તિ જમીનમાંથી નીકળેલી અને આજે પણ મંદિરમાં બિરાજમાન છે. જેની પુજા કરવામાં આવે છે તે મૂર્તિ શિવસ્વરૂપની છે. તેમના ગળામાં જબરાનાગનું સ્વરૂપ પણ દર્શનિય છે. દશનામી અખાડાની પરંપરાની જયોત પૂજય વિરમગિરિજી બાપુએ જાગૃત કરી હતી. ધીરે ધીરે રબારી ભક્તોની ભીડ આ જગ્યામાં વધવા લાગી. અને ભજન કીર્તનની રંગત જામવા માંડી. પૂજ્ય વિરમગિરિજી બાપુ ખૂબજ લાંબુ આયુષ્ય (આશરે ૩૦૦ વર્ષ) ભોગવી જીવંત સમાધિ લઈ પરમાત્માના સ્વરૂપમાં એકાકાર થઈ ગયા. શ્રી વાળીનાથની જગ્યાના આસ-પાસના પ્રદેશના રબારી ભાઈઓ સદ્ગુરૂદેવના સેવકો બની શ્રી વાળીનાથને ઈષ્ટદેવ માનવા લાગ્યા. પૂજ્ય વિરમગિરિજી બાપુને તેમના કાઠિયાવાડના કોઈ એક કાઠી દરબાર સેવકે રેમી ઓલાદની ઉત્તમ ઘોડી ભેટ મોકલાવી હતી. તે રેમી ઘોડીનો વંશ વેલો આજે પણ શ્રી વાળીનાથજીના પ્રાંગણમાં શોભી રહ્યો છે. એક મકવાણા શાખના રબારી ભક્તરાજે પૂય વિરમગિરિ બાપુને ગાયની અંધ વાછડી ભક્તિભાવે સમર્પિત કરી હતી. જેને બાપુએ દૃષ્ટિ આપી દેખતી કરેલી અને ખૂબજ વહાલ કરતા. લાડથી તેનું નામ ‘લાડચી’ (લાડકી) રાખવામાં આવ્યું હતું. પૂજ્ય વિરમગિરિજી બાપુએ કહ્યું હતું કે આ લાડચી ગાયનો વંશવેલો સંસ્થાની ઉન્નતિ સાથે ઉત્તરોત્તર વધતો રહેશે.” આજે પણ અખાડાની ગૌશાળામાં ‘લાડચી’ ના વંશ વેલાની કાંકરેજ ઓલાદની ૨૫૦ જેટલી ગાયો શોભામાં વધારો કરી રહી છે. સિદ્ધ તપસ્વી બાપુનું વચન છે કે ‘“જ્યાં સુધી રેમી ઘોડી, અખંડ ધૂણી અને લાડચી ગાયની સેવા પૂજા થતી રહેશે ત્યાં સુધી આ અખાડામાં સિદ્ધ-તપસ્વી વચન છે કે ‘“જ્યાં સુધી રેમી ઘોડી, અખંડ ધૂણી અને લાડચી ગાયની સેવા પૂજા થતી રહેશે ત્યાં સુધી આ અખાડામાં સિદ્ધ-તપસ્વી દિવ્ય-મહાત્માઓનો વાસ રહેશે. આજે પણ અખંડ ચેતન ધુણો, રેમી ઘોડી અને લાડચી ગાય આ અખાડામાં પુજનીય અને પવિત્ર મનાય છે. અને સંસ્થાની ઉન્નતિનાં પ્રતિક ગણાય છે.

પૂ. મહંતશ્રી ગુલાબગિરિજીના વખતમાં શ્રી વાળીનાથજી મહાદેવના મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું. વિસનગરના લલુતરા શાખના (રબારી) અને તરભના મોયડાવ શાખના ભાણેજ ભક્તરાજ જીવારામ બાપુએ સંસ્થાના પ્રાંગણમાં જીવંત સમાધિ લીધી હતી. તેજ સમયે વાલમ ગામના રબારીની દિકરી સતી માલબાઈએ પણ વાગતે ગાજતે હજારો ભક્તજનોની સાથે વાલમના ભરેલા તણાવના પાણી ઉપર ચાલતાં ચાલતાં આ જગ્યામાં આવી જીવંત સમાધિ લીધી હતી. આજે પણ વાલમ અને તરભની વચમાં શ્રી માલબાઈ સતીનો વિસામો દર્શનીય સ્થાન ગણાય છે.

પૂજ્ય મહંતશ્રી નાથગિરિજી મહારાજના સમયમાં ભાલક ગામની ૧૨ વર્ષની મુસ્લિમ બાળા નાથબાઈ એ આ જગ્યામાં આવી જીવંત સમાધિ લીધી હતી. પુરી નામના એક તપસ્વી મહાત્માએ પણ આ સંસ્થાના પ્રાંગણમાં જીવંત સમાધિ લીધી હતી. પૂજ્ય મહંતશ્રી જગમાગિરિજી વખતમાં શ્રી જાળેશ્વર મહાદેવનું મંદિર બાંધવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૧૯૩૦ મા પૂજ્ય મહંતશ્રી ભગવાનગિરિજીએ સંસ્થામાં મોટો મેળો (ધાર્મિક મેળાવડો) કર્યો હતો. આ સંસ્થામાં જ સ્વામી શ્રી અરજણગિરિજી તપસ્વી સંત થઈ ગયા. એમની સમાધિ આજે પણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે હાજીપુર ગામે મોજૂદ છે. પૂજ્ય મહંત શ્રી હરિગિરિજી મહારાજે વિક્રમ સંવત ૧૯૬૬માં સંસ્થામાં મહાન ધાર્મિક મેળાવડો, યજ્ઞ, કર્યો હતો. મહંતશ્રી સૂરજગિરિજી મહારાજે પોતાની બુદ્ધિ, શક્તિ અને ભક્તિના બળે જગ્યાને ખૂબજ સમૃદ્ધ બનાવી હતી. તેમણે શ્રી હિંગળાજ માતાની અતિ મુશ્કેલ દુર્લભ એવી યાત્રા નિર્વિઘ્ને પાર પાડી હતી. વિક્રમ સંવત ૧૯૯૫ના વૈશાખ સુદ સાતમના રોજ પૂજ્ય સૂરજગિરિજી મહારાજે સંસ્થામાં મહાયજ્ઞ કરાવ્યો હતો. વર્તમાન પૂજય મહંત શ્રી બળદેવગિરિજી મહારાજ માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે વિક્રમ સંવત ૧૯૯૬ માં પૂ. મહંતશ્રીની ગાદી ઉપર બિરાજ્યા હતા. તેમના પાવન, પુણ્યકારી આગમન સાથે જ શ્રી વાળીનાથજીની સંસ્થા સોળે કળાએ ખીલી ઉઠી. સમગ્ર રબારી સમાજમાં તેમજ અન્ય સમાજના લોકોમાં પણ પૂજ્ય બળદેવગિરિજી મહારાજ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક બની ગયા. ‘સમગ્ર વિહોતરમાં તેમની ધાર્મિક નામના શ્રદ્ધાપૂર્વક ગુંજતી થઈ. તેમનો સેવકગણ બહોળા પ્રમાણમાં વિસ્તર્યો. પૂ. મહારાજશ્રીએ રબારી સમાજમાં સામાજિક તથા શૈક્ષણિક ઉત્થાન માટે પાયાના પ્રયત્નો શરૂ કર્યા. તેમની શુભ ભાવનાએ જ ‘‘શ્રી વાળીનાથ જ્ઞાન પરબ”દ્વારા રબારી સમાજના ભણતાં બાળકોને મફત પાઠ્યપુસ્તકો આપવાની ભવ્ય યોજના વિક્રમ સંવત ૨૦૨૧ માં ચાલુ કરી હતી. જે સંસ્થા દ્વારા આજે પણ અવિરત પણે ચાલે જ છે. સંસ્થામાં જ રબારી વિદ્યાર્થીઓને ભણાવવાનો આગ્રહ રાખીને પણ પૂજય શ્રી બળદેવિગિર બાપુએ છાત્રાલય શરૂ કરી. રબારી સમાજના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. રબારી સમાજ માટે ઠેર ઠેર છાત્રાલયો શરૂ થાય અને તે સાંગોપાંગ પણે નભે તે માટે બાપુ સતત ચિત્તા વ્યક્ત કર્યા કરતા હતા. પૂજય બળદેવગિરિજી બાપુ કન્યા કેળવણીના ખૂબજ આગ્રહી હતા. ગાંધીનગરમાં વાળીનાથ મહંતશ્રી ગોપાલક કન્યા કેળવણી મંડળ દ્વારા છાત્રાલય તેમજ સ્કૂલ શરૂ કરેલ છે. છાત્રાલયના વિકાસમાં તેમનું ઘણું મોટું યોગદાન છે. જેના તેઓશ્રી આજીવન પ્રમુખ પણ રહ્યા હતા. પૂ. મહંતશ્રી બળદેવગિરિજી બાપુ દ્વારા તરભમાં સ્વખર્ચે સ્વામીશ્રી ચરણગિરિજી વિદ્યાલય બનાવેલ છે. જેનો આસપાસના હજારો વિદ્યાર્થીઓએ વિદ્યા લાભ મળવ્યો છે. એવિદ્યાલયના પણ તેઓ આજીવન પ્રમુખ રહ્યા હતા. તેમના માર્ગદર્શન નીચે શ્યામનગર (ગાડું) તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠામાં માણેકનાથજીની જગ્યાનું નવનિર્માણ કાર્ય થયું. તેમના જ આશીર્વાદથી રાજસ્થાન માં રામદેવરા – રણુંજા મધ્યે ભવ્ય ધર્મશાળા “શ્રી વાળીનાથ રબારી ગુજરાતી ધર્મશાળા” નું ભવ્ય નિર્માણ શ્રી વાળીનાથજી અખાડાના સેવકોના સહયોગથી અને પૂ. ગોવિંદગિરિજી મહારાજની નિશ્રામાં એમના માર્ગદર્શનથી પુનઃનિર્માણ પામેલ છે. જે આજે સમાજના હજારો યાત્રાળુઓનો વિસામો બની રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં સેવકોના સહકારથી ભવ્ય “શ્રી વાળીનાથ પ્રવેશ દ્વાર’(રબારી ગેટ) નું નિર્માણ કરાવી દ્વારકા નગરપાલિકાને તે અર્પણ કરી અને ત્યાંથી મુડીયાવેરો (યાત્રીક કર) બંધ કરવવામાં આવેલ છે. યાત્રાધામ અંબાજી ખાતે આવેલી રબારી સમાજ ધર્મશાળાના નિર્માણ કાર્યમાં પણ પૂજ્ય બાપુના આશીર્વાદ – સહકાર અને યથાયોગ્ય યોગદાન પણ આપેલ છે ! પૂ. બળદેવગિરિજી બાપુએ અનેક નાના મોટા કાર્યક્રમોમાં હાજરી આપી, સમાજને આશીર્વાદ પાઠવ્યા છે. તેમણે વિવિધ યાત્રાઓ તેમજ ચારે કુંભના મેળાઓમાં પણ સંતો અને સેવકો સાથે લઈ જઈ ધર્મલાભ લ્હાવો લીધેલ છે અને આપેલ છે. પૂ. સચ્ચિદાનંદજી મહારાજ (ભક્તિનિકેતન આશ્રમ, મુ. દંતાલી, જિ. ખેડા) સને ૧૯૮૦માં ગુજરાતમાં પધાર્યા ત્યારે પ્રથમ ચાર્તુમાસ શ્રી વાળીનાથજી અખાડામાં ગાળેલ, સંતો અને સેવકોને તેમણે પ્રથમ ચાર્તુમાસ દરમ્યાન સત્સંગ તેમજ સંતવાણીનો લાભ આપ્યો હતો. પૂજય શ્રી બળદેવગિરિજી બાપુની પોતાને ઘેર પધરામણી થાય તે માટે સેવકો આતુરતા પૂર્વક રાહ જોતા હતા. પૂ. બાપુ પણ લોક કલ્યાણ અર્થે સતત સેવકોમાં પરિભ્રમણ કરતાં રહેતા હતા. પૂ. બળદેવગિરિજી બાપુ સેવકોને પોતાના દર્શન અને પધારામણીનો લાભ હંમેશા હરખભેર આપતા.

પૂ. મહંતશ્રી બળદેવગિરિજી બાપુને દ્વારકા જ્યોતિષ-પીઠાધિશ્વર જગતગુરૂ પૂ. શંકરાચાર્યજી અભિનવ સચ્ચિદાનંદ તીર્થ દ્વારા ધર્મધુરંધર, છડી-છત્રધારી, ધર્મવિભૂષણ, ધર્મ સેવા ભૂષણ જેવાં મહાનતાના બિરૂદ પણ આપી સન્માન્યા છે, નવાજ્યા છે. દેશમાં જુદાં જુદાં ચાર સ્થળોએ ભરાતાં મહાકુંભ મેળાઓમાં શ્રી પંચ જૂના અખાડામાંથી શાહી સ્નાન વખતે નિકળતી શોભાયાત્રામાં શ્રી વાળીનાથજી અખાડાના મહંતશ્રીઓને હાથી પર બિરાજમાન કરી આગવું સ્થાન આપે છે. આ સંસ્થાના પૂજ્ય મહંતશ્રી પણ જોડાય, એવી એક આગવી પરંપરા છે. પૂ. બળદેવગિરિજી બાપુ તેમના જીવનમાં સૌથી મોટું અને ભગીરથ કાર્યનું સંવત ૨૦૪૯ના ફાગણ સુદ એકમ થી ત્રીજ (તા. ૨૨-૨-૯૩ થી ૨૪-૩-૯૩) ના રોજ અખાડાના પ્રાંગણમાં ભવ્યાતિભવ્ય મહાયજ્ઞનું આયોજન તેમજ શ્રી વાળીનાથજીના મંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવ્યો હતો. તે સમયે જાળેશ્વર મહાદેવના મંદિરમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લાખો લોકો દર્શનાર્થે આવ્યા હતા. સમગ્ર તરભ ગામના તમામ જ્ઞાતિના લોકો રાત દિવસ જોયા વિના યજ્ઞની તૈયારીના આ ભગીરથ કાર્યમાં ત્રણ માસ અગાઉથી જોડાઈ ગયા હતા. મંદિરના પ્રાંગણની તમામ ઝાડી-ઝાંખરા, ખાડા-ટેકરા વગેરે સુપેરે સાફ કરી સમતળ વિશાળ પટાગંણ બનાવી આપ્યુ હતું. આજુબાજુના ગામ લોકોએ પણ પૂ. મહારાજશ્રીને યજ્ઞની સફળતા માટે સંપૂર્ણ સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. રબારી સમાજના કાર્યકરો અને આગેવાનોએ પણ સંપૂર્ણ સહકાર આપ્યો હતો. વિસનગરના સમસ્ત રબારી ભાઈઓ તરફથી એ વખતે પૂજ્ય બાપુને એક કાર ગાડી ભેટ-અર્પણ કરવામાં આવી હતી. મીની મહાકુંભ જેવી હૈયે હૈયુ દળાય એવી જન મેદની જામી હતી. ત્રણ દિવસ સુધી સતત ભજન-ભોજન અને મહાયજ્ઞમાં આહુતિઓ અવિરત ચાલુ જ રહી હતી. ત્રીજે દિવસે પૂર્ણ આહુતિ અપાયા બાદ યજ્ઞ નારાયણની પુષ્ટિ (તૃપ્તિની ખાત્રી રૂપે) અર્થે મુસળધાર અમી વર્ષા થઈ હતી. જે ખરેખર યજ્ઞની સાર્થકતાની પ્રતિતિ ગણાય – પ્રમાણ ગણાય. ગામ લોકોની અનન્ય સેવા સમર્પણના ભાવથી પ્રેરાઈને પૂ. મોટા બાપુએ તરભ ગામ લોકોને પાણીની હાલાકી દૂર થાય તે માટે એક ઓવર હેડ પાણીની ટાંકી બનાવી ગામ લોકોને અર્પણ કરેલ. ત્યારથી પાણીની સમસ્યા કાયમી હલ થઈ છે. આવા લોકહીતના તેમજ ભગીરથ ધાર્મિક કાર્યોના સંભારણા આજે પણ લોકો મુક્ત મને વાગોળે છે.

પૂજ્ય બાપુએ બાળપણથી જ ધ્રુવ પ્રહલાદની જેમ પૂજય ભાવે તન-મન સમર્પિત કરી, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય થકી, સંયમ-નિયમ- સાદગી જેવા અનેક સદ્ગુણો, ત્યાગ-સેવા-સમર્પણ-પરોપકાર, શિક્ષણ- સંસ્કાર જેવા શુદ્ધ સાત્વિક કર્મોથી તેમજ રોટલા અને ઓટલાની ધર્મ-ધજા લહેરાવીને અલૌકિક દિવ્યશક્તિઓ દ્વારા અખાડાનો અનેકવિધ મહિમા અને ગૌરવ વધાર્યું છે. ગૌ બ્રહ્માણ પ્રતિપાળ સેવા એજ કર્મના પ્રખર હિમાયતી, ભારતભરના સમગ્ર સંત સમાજમાં શ્રી વાળીનાથજી અખાડાની સુમધુર સુવાસ ચારેકોર ગુંજતી-મહેકતી કરી. આગવી પ્રતિભા ઓળખ ઉભી કરી છે. રબારી સમાજે પણ હંમેશા પૂજ્ય બાપુનો પડતો બોલ ઝીલીને અનન્ય સાથ સહકાર આપ્યો છે. પૂજ્ય બાપુએ પણ આપણા સમગ્ર સમાજ ઉપર સતત ૮૮ વર્ષ પર્યન્ત દીર્ઘકાળ કૃપાદૅષ્ટિથી સદૈવ અતૂટ-અક્ષય આશીર્વાદની અમીવૃષ્ટિ વરસાવતા જ રહ્યા છે. જેના દ્વારા આજે અખાડાનો તેમજ આપણા સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.

આપણા રબારી સમાજની ઉત્તરોત્તર પ્રગતિ માટે હંમેશા શુભ ચિંતક એવા પૂજ્ય બાપુશ્રીના ધ્યાન-દાન, તપ-જપ, અતિથિ સત્કાર અને દુધ જેવા ઉજળા આચાર સહજ સત્કર્મની સૌરભથી અખાડાનું આકર્ષણ ખૂબજ ઝડપથી પ્રકાશિત તેમજ પ્રભાવિત થયું છે. જેના સહભાગી સંપૂર્ણ સમર્પિત કર્મયોગી પૂજ્ય કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી મહારાજની ગુરૂભક્તિ તેમજ કર્તવ્યનિષ્ઠા પણ ઓછી મુલવાય એમ નથી. એમના અકલ્પ્ય ભગીરથ પુરુષાર્થથી, એમની આગવી કોઠાસૂઝ અને કુનેહ ભરેલી કાર્યશૈલીથી અખાડાના વિકાસને અતિ વેગ મળ્યો. જંગલમાં મંગલ થયુ. અને અખાડાની શોભામાં ચાર ચાંદ લાગ્યા છે. તેઓશ્રીએ સેવા-ધર્મ, પ્રેમ-ભાવ, સરળતા-સાદગી, અથાગ પરિશ્રમ જેવા ઉમદા ગુણોનું વાસ્તવિક દર્શન આપણને કરાવ્યું છે.

શ્રી વાળીનાથજી અખાડાની કિર્તિના કાંગરાં આજે ભારતભરના સાધુ સમાજ તેમજ સમગ્ર સમાજમાં મેરુ સમાન આસમાન આંબી રહ્યા છે. રામ-લક્ષ્મણ સમા બન્ને મહાનુભાવ સંતોની સાચી નિષ્ઠાભક્તિ, ધર્મ અને કર્મનો આ પ્રતાપ છે. એક સિક્કાની બે બાજુની જેમ પૂજય મોટા બાપુએ સમાજના ઉત્થાન માટે હંમેશા અહર્નિશ માળા અને ભજન કર્યું. જ્યારે કોઠારી સ્વામીએ સતત કાર્ય જ કર્યે રાખ્યાં અને ભોજન કરાવે રાખ્યું.

આપણા પરમ પૂજ્ય શ્રી બળદેવગિરિજી બાપુના આજ્ઞાકીત ગુરૂપરાયણ શિષ્ય, કુશળ વહીવટદાર, નૂતન શિવધામના પ્રણેતા, સ્વપ્ન દ્રષ્ટા શિલ્પી, સાર્થક પરિશ્રમી ઓછુ ભણતર અપાર ગણતર, સમજણનો અંબાર, ભાગ્યાંનાં ભેરૂ, નીડર છતાં નિરાભિમાની, પૂજ્ય બ્રહ્મલીન કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી ગુરૂશ્રી બળદેવગિરિજી બાપુ આસો નવરાત્રિ – અષ્ટમીના પાવન પર્વે તા. ૨૪-૧૦-૨૦૨૦, શનિવારે સમાધિષ્ટ થયાના માત્ર બે જ માસના ટુંકા સમયગાળામાં આપણા સૌના ગુરૂવર્ય પરમશ્રય પ્રાતઃ સ્મરણીય, ધર્મ ધૂરંધર, ધર્મ વિભૂષણ, સેવા- ધર્મભૂષણ,છડી-છત્રધારી, પરમહંસ પરિવ્રાજકાચાર્ય, ગુણાતીત, સિધ્ધ- યોગીરાજ, અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન મહંતશ્રી બળદેવગિરિજી ગુરૂશ્રી સૂરજગિરિજી બાપુ મોક્ષદા એકાદશી તેમજ ગીતા જયંતિના પાવન પર્વે સમાધિષ્ટ થયા. આ સમાધિ દર્શન કાર્યક્રમમાં હજારો પૂજ્ય સંતો-મહંતો, મઠાધીશો તેમજ લાખોની સંખ્યામાં ધર્મ પ્રેમી માનવ મહેરામણ ઉમટ્યો હતો. ભાવિક ભક્તજનોએ / શ્રધ્ધાળુઓએ ભારે હૈયે અશ્રુભીની આંખે પૂજ્ય બાપુને તા. ૨૫-૧૨-૨૦૨૦શુક્રવારે સમાધિ આપી હતી.

વિનય-વિવેકથી એક-બીજા પ્રત્યેના આદર અને અહોભાવથી આશરે ૭૦ વર્ષનો દીર્ઘકાળ અદ્વિતિય સથવારો નિભાવ્યો અને એમના પુણ્ય પ્રતાપે સ્વધામ પણ બંન્ને સાથે જ સિધાવ્યા. આ એક અસાધારણ બાબત છે. હંમેશા એક બીજાને અનન્ય ગુરૂભાવ પરસ્પર સમજુતિ અને સહમતિ ભારોભાર જોવા મળ્યાં છે. ભારતભરના સાધુ સમાજમાં આવી (ગુરૂ-શિષ્યની) અનોખી જુગલબંધીનો જોટો જડવો મુશ્કેલ છે. સમગ્ર સમાજને એનાં સાક્ષી ભાવે અનુભવ કરાવ્યો છે. જે આપણે નજરે નિહાળી રહ્યા છીએ.

અનંત વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ બ્રહ્મલીન મહંતશ્રી બળદેવગિરિજી બાપુ તેમજ બ્રહ્મલીન કોઠારી સ્વામીશ્રી ગોવિંદગિરિજી બાપુના ષોડશી ભંડારા તેમજ ચાદરવિધિ મહોત્સવ ૫.પૂજય લઘુ મહંતશ્રી જયરામગિરિજી બાપુ તેમજ પૂજય લઘુ કોઠારીશ્રી દશરથગિરિજી બાપુ અનેક સંતો-મહંતો-મઠાધીશોની પાવન ઉપસ્થિતિમાં વિધિવત ચાદરવિધિનું આયોજન કરેલ.

આ અદ્વિતિય ભવ્યાતિભવ્ય ષોડશી ભંડારા તેમજ ચાદરવિધિ મહોત્સવ તા. ૨૫-૧૨-૨૦૨૦થી ૦૯-૦૧-૨૦૨૧ (૧૬ દિવસ) સુધીના તમામ ખર્ચના સૌજન્ય દાતાશ્રી સાગરભાઈ હરજીભાઈ દેસાઈ (લલુતરા પરિવાર-વિસનગર) દ્વારા સંપન્ન થયેલ.